માધુરી દીક્ષિતના બાળકો બોલિવૂડમાં ડેબ્યૂ કરશે? લાઈમલાઇટ વિશે દિગ્ગજ અભિનેત્રીએ આપ્યો જવાબ

80 અને 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત આજે પણ લાખો લોકોના દિલમાં વસે છે. જોકે, જ્યારે તેનું કરિયર ટોચ પર હતું, ત્યારે જ તેણે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરી અમેરિકા સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં માધુરીએ લાઈમલાઈટ છોડીને વિદેશમાં સ્થાયી થવા અને તેના પુત્રોના બોલિવૂડ પ્રત્યેના દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી છે.

અમેરિકા જવાનો નિર્ણય કેમ લીધો?

ઇન્ટરવ્યૂમાં જ્યારે માધુરીને પૂછવામાં આવ્યું કે ભારતની ટોપ સુપરસ્ટાર હોવા છતાં એક નાના અમેરિકન શહેરમાં સામાન્ય નાગરિકની જેમ રહેવું કેવું હતું? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘દરેકના જીવનના કેટલાક સપના હોય છે. મારું પણ સપનું હતું કે હું લગ્ન કરું, મારું પોતાનું ઘર હોય અને બાળકો હોય. જ્યારે ડૉ. નેને મારા જીવનમાં આવ્યા, ત્યારે મને લાગ્યું કે આ તે જ વ્યક્તિ છે જેની સાથે હું જીવન વિતાવવા માંગુ છું. તેથી હું વધુ વિચાર્યા વગર લગ્ન કરીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ.’

માધુરીએ વધુમાં કહ્યું કે, ‘ત્યાં બધું જ કામ જાતે કરવું પડતું હતું, પણ મને એ શાંતિ ગમતી હતી. બાળકોને કોઈના ડર વગર પાર્કમાં લઈ જવા અને તેમની સાથે સમય વિતાવવો મારા માટે ખૂબ જ ખાસ હતું.’

બોલિવૂડને ‘સર્કસ’ કહે છે પુત્રો!

માધુરીએ તેના બે પુત્રો – આરિન અને રયાન વિશે પણ રસપ્રદ વાતો શેર કરી. તેણે જણાવ્યું કે, ‘જ્યારે અમે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે મારા બાળકોની ઉંમર 6 અને 8 વર્ષની હતી.મારા બાળકો આ ગ્લેમરની દુનિયાને એક ‘સર્કસ’ માને છે.

અભિનેત્રીએ કહ્યું કે, ‘મારો નાનો દીકરો રયાન આ બધી જ ચમક-ધમકથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે આ ઇન્ડસ્ટ્રીને એક સર્કસ માને છે અને તેમાં તેને જરાય રસ નથી. જ્યારે મોટો દીકરો આરિન થોડો વધુ સોશિયલ છે, પણ તેનું ધ્યાન પણ ફિલ્મોમાં નથી.’

error: Content is protected !!