SIRની કામગીરી દરમિયાન મોરબી જિલ્લામાં 68 હજારથી વધુ મતદારો મતદારયાદીમાંથી હટાવાયા

મોરબી: હાલ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દરમિયાન મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ફોટોમાં દર્શાવેલ વિગતો મુજબ મોરબી જિલ્લામાં કુલ 68,278 મતદારો વિવિધ કારણોસર મતદારયાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો મુજબ વિગતો આ મુજબ છે:

મોરબી વિધાનસભા (65): કુલ 28,840 મતદારો હટાવાયા, જેમાં મૃત્યુ પામેલા, અપ્રાપ્ય/ગેરહાજર, કાયમી સ્થળાંતર કરેલા તેમજ ડુપ્લિકેટ નોંધણીના કેસો સામેલ છે.

ટંકારા વિધાનસભા (66): કુલ 13,559 મતદારોના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા.

વાંકાનેર વિધાનસભા (67): કુલ 25,879 મતદારો હટાવાયા હોવાનું નોંધાયું છે.

જિલ્લા સ્તરે જોવામાં આવે તો 1 ઓક્ટોબર 2025ની સ્થિતિએ મોરબી જિલ્લામાં કુલ 8,50,142 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી SIRની કામગીરી બાદ 7,81,864 મતદારો સાથે નવી ડ્રાફ્ટ મતદારયાદી તૈયાર કરવામાં આવી છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે મતદારયાદી શુદ્ધ અને ભૂલરહિત રહે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, એકસાથે મોટી સંખ્યામાં મતદારોના નામ હટાવવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે નજર એ બાબતે રહેશે કે દાવા-આક્ષેપની પ્રક્રિયા દરમિયાન કેટલા મતદારો ફરીથી યાદીમાં જોડાય છે.

error: Content is protected !!