GRUDA–2022 હેઠળ અનધિકૃત બાંધકામ નિયમિત કરવા અરજીની સમયમર્યાદા વધારી, મોરબીમાં હોટલો-શાળાઓની SOP મુજબ ચકાસણી તેજ

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા Gujarat Regularization of Unauthorized Development Act–2022 (GRUDA–2022) અંતર્ગત અનધિકૃત બાંધકામોના નિયમિતકરણ માટે અરજીઓ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ વહીવટી તથા તકનિકી કારણોસર ઘણા નાગરિકો અગાઉ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શક્યા ન હોવાને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે.

આ નિર્ણયના પરિણામે મોરબી શહેર સહિત રાજ્યભરના પાત્ર નાગરિકોને અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની વધુ એક તક મળશે અને તેઓ કાયદેસર રીતે પોતાના બાંધકામ સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. મોરબી મહાનગરપાલિકાએ તમામ પાત્ર અરજદારોને સૂચિત વધારાની સમયમર્યાદામાં GRUDA–2022 હેઠળ અરજી કરી જરૂરી દસ્તાવેજો રજૂ કરીને નિયમિતકરણ પ્રક્રિયા પૂર્ણ કરવા જાહેર અપીલ કરી છે. વધુ માહિતી માટે મહાનગરપાલિકાની સંબંધિત શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ સાથે જાહેર સલામતી અને નિયમોના કડક પાલનના હેતુસર મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગત અઠવાડિયે શહેરમાં આવેલી હોટલો તેમજ શાળાઓની સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ S.O.P. મુજબ વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ઇમારત મંજૂરી, ફાયર સેફ્ટી વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, માળખાકીય સલામતી સહિતના મહત્વના મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં મોરબી શહેરની વિવિધ હોટલોની તબક્કાવાર રીતે વિગતવાર ચકાસણી કરવામાં આવશે અને જ્યાં પણ સરકારશ્રીના નિયમો અથવા S.O.P.નો ભંગ સામે આવશે ત્યાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાએ તમામ સંસ્થાઓ, વિકાસકારો અને વ્યવસાયિક એકમોને સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ નિયમો અને માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા જાહેરહિતમાં અપીલ કરી છે.

error: Content is protected !!